Pages

JOIN THE TEAM

Search This Website

Saturday 7 July 2012

કવિ ન્હાનાલાલ દલપતરામ

     કવિ  ન્હાનાલાલ નો  જન્મ, કવિ દલપતરામ ડાહ્યાભાઈને ત્યાં, અમદાવાદમાં. અટક ત્રિવેદી, પણ શાળાને ચોપડે તેમ ત્યારપછી જીવનભર ભાઈઓની પેઠે ‘કવિ’. અગિયાર વર્ષની ઉંમરે માતાના મૃત્યુ પછી પોતાના અલ્લડવેડાથી વૃદ્ધ પિતાને પોતાનાં ભણતર અને ભાવિ વિશે ચિંતા કરાવનાર તરુણ ન્હાનાલાલ માટે મોરબીમાં હેડમાસ્તર કાશીરામ દવેને ત્યાં એમની દેખરેખ નીચે ગાળવું પડેલું ૧૮૯૩ નું મૅટ્રિકનું વર્ષ ‘જીવનપલટાનો સંવત્સર’ બન્યું. અમદાવાદની ગુજરાત, મુંબઈની ઍલ્ફિન્સ્ટન અને પૂનાની ડેક્કન, એ ત્રણે સરકારી કૉલેજોમાં શિક્ષણનો લાભ મેળવી ૧૮૯૯માં તત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ. અને ૧૯૦૧માં ઇતિહાસ વિષય સાથે એમ.એ.થયા. એમનો અભ્યાસ એમના સર્જનને પોષક બન્યો હતો. એમની અભ્યાસક્રમની બીજી ભાષા ફારસી એમને પાછળથી મોગલ નાટકોના લેખનમાં કામ લાગી હતી. ટેનિસને એમની સ્નેહ, લગ્ન અને સ્ત્રી-પુરુષ-સંબંધની પ્રિય ભાવનાને, તો માર્ટિનોના અભ્યાસે એમની ધર્મભાવનાને પોષી હતી. એમના સમગ્ર સર્જનમાંનો કવિતા, ઇતિહાસ ને તત્વજ્ઞાનનો ત્રિવેણીસંગમ એમના ઇતિહાસ તત્વજ્ઞાનના યુનિવર્સિટી-શિક્ષણને આભારી ગણાય. એમની ભક્તિભાવના, ધર્મદ્રષ્ટિ તથા શુભ ભાવના પાછળ ઘરના સ્વામીનારાયણી સંસ્કાર તથા અમદાવાદ-પૂના-મુંબઈના પ્રાર્થના સમાજોના સંપર્ક ઊભેલા હતા. એમ.એ. થયા પછી રાજકુમારો માટેની બે કૉલેજ-નામધારી શાળાઓના અધ્યાપકઃ ૧૯૦૨ થી ૧૯૦૪ સાદરાની સ્કૉટ કૉલેજમાં ને ૧૯૦૪ થી ૧૯૧૮ રાજકોટની રાજકુમાર કોલેજમાં. વચમાં બે-અઢી વર્ષ રાજકોટ રાજ્યના સરન્યાયધીશ અને નાયબ દિવાનની પણ કામગીરી બજાવી. ૧૯૧૮માં કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી નિમાયા. ૧૯૧૯ માં ગાંધીજીની પચાસમી જન્મજયન્તીને નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચનાથી તેમને સુંદર અંજલિ આપનાર કવિએ રોલેટ ઍક્ટ અને જલિયાંવાલા બાગના હત્યાકાંડે જન્માવેલા રાષ્ટ્રપ્રકોપ અને ગાંધીજીપ્રેરિત અસહકારની હવામાં ૧૯૨૦માં લાંબી રજા ઉપર ઊતરી ૧૯૨૧માં એ સરકારી નોકરીનું રાજીનામું મોકલી આપી અમદાવાદને પોતાનું કાયમી નિવાસ્થાન બનાવ્યું. ત્યાં એમની સ્વમાની પ્રકૃતિ તથા બાહ્ય સંજોગોએ એમને સક્રિય રાજકારણથી દૂર રાખી પોતાના સારસ્વતજીવનકાર્યમાં જ રત રાખ્યા. રાજકોટ ખાતેના ઉલ્લાસકાળને મુકાબલે કવિનું અમદાવાદનું અઢી દાયકાનું જીવન તપસ્યાકાળ બનેલું. અમદાવાદમાં અવસાન.



No comments:

Post a Comment

Featured

Advertisement