રવિવારને દિવસે સિંહ તેની બોડ બહાર સુસ્તાતો હતો. પસાર થતાં એક શિયાળે પૂછ્યું, ‘સમય કહેશો? મારી ઘડિયાળ બગડી ગઇ છે.’ સમય કહેતાં સિંહે કહ્યું, ‘હું તમારી ઘડિયાળ રિપેર કરી દઇશ.’ શંકા દર્શાવતાં શિયાળે કહ્યું, ‘આ યંત્રરચના અઘરી છે. વળી તમારો હાથ લાગતાં ઊલટી વધારે બગડી જશે.’સિંહે કહ્યું, ‘લાવો તો ખરા, હું રિપેરિંગની ગેરંટી આપું છું.’ ઘડિયાળ લઇને સિંહ બોડમાં અલોપ થઇ ગયો. થોડી વાર પછી રિપેર થઇને બરાબર ચાલતી ઘડિયાળ સાથે પાછો ફર્યો. શિયાળ આદર સાથે નવાઇ પામ્યો. સિંહ પાછો સુસ્તાવા લાગ્યો.થોડી વારમાં એક વરુ આવ્યું. તેણે સિંહને પૂછ્યું, ‘મારું ટીવી બગડી ગયું છે તેથી હું તમારે ત્યાં વન ડે મેચ જોઇ શકું?’ સિંહે કહ્યું, ‘લાવો તમારું ટીવી રિપેર કરી આપું.’ વરુએ કહ્યું, ‘સિંહને તે વળી ટીવી રિપેર કરતાં આવડતું હશે?’ સિંહે વળતાં કહ્યું, ‘પ્રયત્ન કરવામાં વાંધો શું છે?’ વરુ ટીવી લઇ આવ્યો. ટીવી લઇને સિંહ બોડમાં અલોપ થઇ ગયો. થોડી વારે રિપેર થયેલું ટીવી લઇને પાછો આવ્યો. વરુ નવાઇ પામ્યું અને રાજી થયું.હવે ગુફાની અંદરનું દ્રશ્ય જુઓ. એક ખૂણામાં નાના અને બુદ્ધિશાળી સસલાઓ બેઠા હતા અને સાધન-સરંજામની મદદથી ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન વગેરે રિપેર કરતા હતા. સામેના ખૂણામાં એક સિંહ પોતાના પંજા ચાટતો બેઠો હતો.
(કથાબોધ : કોઇ બુદ્ધુ માણસને પ્રગતિ કરતો જોઇ તમને નવાઇ લાગે ત્યારે તેના અનુચરો તરફ જોવું, તે બધા બુદ્ધિશાળી હશે. જે મેનેજરના કારીગરો કુશળ હોય તે મેનેજરને લાયકાત વિના પણ બઢતી મળે છે. પાઠ નંબર બે, સસલાને મારીને ખાઇ જવા કરતાં તેમની પાસે કામ લેવાથી વધારે ફાયદો થાય છે.)
No comments:
Post a Comment